ભારત-યુરોપની ઐતિહસિક ટ્રેડ ડીલ પર આજે મહોર

January 27, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત દુનિયાના અનેક દેશોને ટેરિફના નામે ધમકી આપતા રહે છે. બીજી તરફ ભારત અને યુરોપ આજે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરશે. અમેરિકાના ટેરિફ છતાં ભારતીય અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે. ઓમાન અને ન્યૂઝીલેન્ડ બાદ હવે આજે ભારત-EU ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત થવાની છે. 

ભારત અને યુરોપે ગઇકાલે મુક્ત વેપાર સમજૂતી અંગે વાટાઘાટો સંપન્ન કરી. આજે તેની સત્તાવાર જાહેરાત કરાશે. આ ડીલથી બંને પક્ષોની અર્થવ્યવસ્થામાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે. નોંધનીય છે કે યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. બંને નેતાઓ ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ હતા. આજે ભારત અને યુરોપના 16માં શિખર સંમેલનમાં ફ્રી ટ્રેડ ડીલની મોટી જાહેરાત કરાશે. યુરોપ આ ડીલને 'મધર ઓફ ઑલ ડિલ્સ' કહે છે. આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ફૂટવિયર સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.