મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 11 ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત

January 26, 2026

મેક્સિકોના ગુઆનાહુઆતો રાજ્યમાં રવિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ભયાનક ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 12 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો લોમા દે ફ્લોરેસ વિસ્તારમાં થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફૂટબોલ મેચ જોવા માટે એકઠા થયા હતા.

હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગને કારણે 10 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. સ્થાનિક મેયરની કચેરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત હજુ પણ નાજુક છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ, સેના અને નેશનલ ગાર્ડના જવાનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી દીધી છે. સત્તાવાળાઓએ હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, હજુ સુધી આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ સ્પષ્ટ થયો નથી.