ગણતંત્ર દિવસે સાળંગપુર દાદાને તિરંગાના વાઘા તથા સિંહાસનને હજારીગલ-સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો

January 26, 2026

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.26 જાન્યુઆરી 2026ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે.

દાદાના સિંહાસનને હજારીગલ-સેવંતીના ફૂલો અને આશોપાલવના પાંદ દ્વારા કેસરી-સફેદ-લીલા તિરંગા થીમનો શણગાર કરી સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ લીધેલ. સ.ગુરૂ ગોપાળાનંદસ્વામી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે.

ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી. આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે.