અમેરિકામાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, 13,500થી વધુ ફ્લાઇટ રદ્દ કરાઈ

January 26, 2026

અમેરિકા હાલમાં સદીના સૌથી ભયાનક હિમ વર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા આ હિમવર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાષ્ટ્રીય હવામાનના અંદાજ મુજબ, આ કુદરતી આફતથી અમેરિકાની અડધી વસ્તી એટલે કે લગભગ 18 કરોડ લોકો પ્રભાવિત થવાની શક્યતા છે. દક્ષિણ રોકી પર્વતોથી શરૂ થયેલું આ વાવાઝોડું ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું છે.હિમવર્ષાને કારણે 13,500થી વધારે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.

રવિવારનો દિવસ અમેરિકાના હવાઈ ઈતિહાસમાં કાળો દિવસ સાબિત થયો છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, અત્યાર સુધીમાં 13,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એકલા રવિવારે જ 9600 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી. કોરોના મહામારી બાદ આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિમાની સેવાઓ ખોરવાઈ હોય. વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર તો સ્થિતિ એવી છે કે ત્યાંની 97 ટકા ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે, જેના કારણે એરપોર્ટ્સ પર મુસાફરોની ભારે ભીડ અને અફરાતફરી જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા મુખ્ય શહેરોમાં 30 થી 60 સેન્ટીમીટર (1 થી 2 ફૂટ) સુધી બરફ પડી શકે છે. ઠંડી એટલી કાતિલ છે કે વરસાદ પડતાની સાથે જ તે બરફમાં ફેરવાઈ રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર લપસણી જામી ગઈ છે અને વાહનવ્યવહાર પણ ઠપ્પ થયો છે.

આ તોફાનની અસર કોઈ એક કંપની પૂરતી મર્યાદિત નથી. અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા, સાઉથવેસ્ટ અને યુનાઇટેડ જેવી દિગ્ગજ એરલાઇન્સે તેમની હજારો ફ્લાઇટ્સ રદ કરી છે. જે એરપોર્ટ્સ સૌથી વ્યસ્ત ગણાય છે, જેમ કે એટલાન્ટા અને જ્હોન એફ. કેનેડી, ત્યાં અત્યારે શાંતિ છવાયેલી છે.