અમેરિકા બરફની ચાદરમાં ઢંકાયું, 15 જેટલા રાજ્યોમાં કટોકટી જાહેર, 21 કરોડ લોકોને અસર

January 24, 2026

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હાલ એક અત્યંત ગંભીર શિયાળુ તોફાનનો સામનો કરી રહ્યું છે. દેશના અડધાથી વધુ વિસ્તારમાં ભારે બરફવર્ષા, થીજી ગયેલો વરસાદ અને અતિશય ઠંડીને કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાનની અસર કોઈ મોટા વાવાઝોડા જેટલી વિનાશક બની શકે છે. 

આ તોફાનના કારણે અંદાજે 21 કરોડથી વધુ લોકો સીધી અસર હેઠળ આવ્યા છે. જ્યારે 18 કરોડ લોકો બરફ અને થીજી ગયેલા વરસાદની ચેતવણી હેઠળ છે, ત્યારે ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી ઘણી નીચે પહોંચી ગયું છે. ઉત્તર ડાકોટાના બિસ્માર્ક શહેરમાં તો તાપમાન અને પવનની ઠંડી મળીને માઈનસ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગઈ હતી, જ્યાં માત્ર 10 મિનિટમાં હિમ લાગવાનો ગંભીર ખતરો રહે છે.

ખરાબ હવામાનની સૌથી મોટી અસર પરિવહન પર પડી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને હજારો ફ્લાઇટ્સ મોડું ચાલી રહી છે. ભારે બરફ અને ઠંડીને કારણે શાળાઓ, કોલેજો અને ઓફિસો મોટા પાયે બંધ રાખવામાં આવી છે. શિકાગો, ફિલાડેલ્ફિયા સહિત અનેક શહેરોમાં શાળાઓ બંધ છે.  

ડલ્લાસ, શિકાગો અને એટલાન્ટા જેવા મોટા એરપોર્ટ પર મુસાફરો ફસાઈ ગયા છે. એરલાઈન્સે લોકોને મુસાફરી ટાળવા અને ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવાની સલાહ આપી છે. શિયાળુ તોફાનને પગલે નીચેના 15 રાજ્યોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. અલાબામા, અરકાનસાસ, જ્યોર્જિયા, કેન્સાસ, કેન્ટુકી, લ્યુઇસિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, મિઝોરી, ન્યૂ યોર્ક, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના, ટેનેસી, ટેક્સાસ અને વર્જિનિયા.