ઈન્ડોનેશિયામાં દુનિયાની સૌથી જૂની 67,800 વર્ષ પ્રાચીન ગુફા કલા મળી આવી

January 26, 2026

પુરાતત્વવિદોએ ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ નજીક આવેલા મુના દ્વીપની એક ચુનાના પથ્થરની ગુફામાં માનવ ઈતિહાસની સૌથી મોટી શોધ કરી છે. અહીં ગુફાની દીવાલ પર લાલ રંગના હાથનું નિશાન (હેન્ડ સ્ટેન્સિલ) મળી આવ્યું છે, જે અંદાજે 67,800 વર્ષ જૂનું હોવાનું સાબિત થયું છે. આ શોધ સાથે જ સ્પેનમાં મળેલી 66,700 વર્ષ જૂની કલાનો વિશ્વ રેકોર્ડ તૂટી ગયો છે.

વૈજ્ઞાનિકોના મતે, આ કલા કોઈ આધુનિક માનવના પૂર્વજે બનાવી હતી. આ ચિત્ર બનાવવાની પદ્ધતિ અત્યંત રસપ્રદ છે; કલાકારે પોતાનો હાથ દીવાલ પર રાખીને તેના પર મોઢા વાટે ગેરૂ (લાલ રંગ) ફૂંકીને આ આકૃતિ ઉપસાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ હાથની આંગળીઓને એટલી લાંબી અને નુકીલી બનાવવામાં આવી છે કે તે કોઈ શક્તિશાળી 'પંજા' જેવી ભાસે છે. આ બાબત તે સમયના માનવોની કલાત્મક દ્રષ્ટિ અને કલ્પનાશક્તિનો પુરાવો આપે છે.

આ કલાની સચોટ ઉંમર નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ચિત્રની ઉપરના ભાગે જામી ગયેલા કેલ્શિયમ કાર્બોનેટના સ્તરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પથ્થરની આ પરતો ચિત્ર બન્યા બાદ હજારો વર્ષોની પ્રક્રિયાથી રચાઈ હતી, જેના પરથી સ્પષ્ટ થયું કે આ કલા 67,800 વર્ષથી ત્યાં અડીખમ છે.