EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે,

January 25, 2026

દિલ્હી : યુરોપીયન સંઘ (EU)ના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેન આજે ભારતની ચાર દિવસની મુલાકાતે આવી ગયા છે. આ ઉપરાંત યુરોપીયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા પણ આવતીકાલે 25 જાન્યુઆરીએ ભારત આવી રહ્યા છે. ઈયુના અધ્યક્ષાની ભારત મુલાકાતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત-ઈયુ આજસુધી વિશ્વમાં કોઈપણ દેશે ન કરી હોય તેવી ‘ગેમ ચેન્જર ડીલ’ કરવાની તૈયારીમાં છે. ઈયુના અધ્યક્ષા અને એન્ટોનિયા કોસ્ટા સૌપ્રથમ 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે. ત્યારબાદ 27 જાન્યુઆરીએ ભારત-ઈયુ વચ્ચે મોટી બેઠક યોજાવાની છે, જેમાં તેઓ મોટા વેપારી કરાર પર હસ્તાક્ષર કરવાના છે.


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર મસમોટો ટૅરિફ ઝિંકીને સંબંધો બગાડી રહ્યા છે, ત્યારે ભારતે અમેરિકાના ટૅરિફને જડબાતોડ જવાબ આપવા માટે અનેક દેશો સાથે સંબંધો વધારવાની સાથે વેપાર કરાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભારત પોતાના ગાઢ મિત્ર દેશો સાથે વેપાર ભાગીદારી પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત ભારત -બ્રાઝિલ વચ્ચે પણ ટૂંક સમયમાં વેપાર કરાર પર મહત્ત્વનો નિર્ણય થવાનો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)ની જાહેરાત થવાની છે, જેના કારણે ટ્રમ્પને મોટો ઝટકો લાગવાનો છે.


મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈયુના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર વચ્ચે શિખર બેઠક યોજાવાની છે, જેમાં સૌથી મહત્ત્વનો મુદ્દે મુક્ત વેપાર કરાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કરાર ઘણા લાબા સમયથી અટકેલો છે, જોકે 27મીએ યોજાનાર બેઠકમાં આ કરાર અંગે મોટી જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત બંને તરફથી વ્યૂહાત્મક સંરક્ષણ સમજૂતીને પણ અંતિમરૂપ આપવામાં આવશે. FTA ડીલ થયા બાદ ભારતના ઉત્પાદનો યુરોપીય સંઘમાં ઓછા અને મુક્ત ટૅરિફે આયાત થશે, જ્યારે યુરોપીય સંઘ પણ આવી રીતે જ ભારતમાં આયાત કરી શકશે.