અમેરિકામાં બરફનું તોફાન, 13000 ફ્લાઈટ્સ રદ, બત્તી ગુલ

January 25, 2026

ન્યુ યોર્ક : અમેરિકામાં હાલમાં કુદરતનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. એક વિશાળ વિન્ટર સ્ટોર્મે (બરફનું તોફાન) અમેરિકાના અડધાથી વધુ ભાગને પોતાની લપેટમાં લીધો છે. 2,300 માઈલ સુધી ફેલાયેલા આ વાવાઝોડાએ પરિવહન અને વીજળી વ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક રાજ્યોમાં કટોકટી જાહેર કરી છે.


અહેવાલો અનુસાર, અમેરિકામાં હિમવર્ષા અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે એવિએશન સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફ્લાઇટઅવેરના અહેવાલ મુજબ, શનિવાર અને રવિવાર દરમિયાન 13,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કોરોનાકાળ પછી એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાની આ પ્રથમ ઘટના છે. રસ્તાઓ પર બરફના જાડા થર જામી જવાથી વાહન વ્યવહાર જોખમી બન્યો છે. ભારે હિમવર્ષા અને પવનને કારણે વીજળીના ટાવરો અને વૃક્ષો ધરાશાયી થયા છે. ટેક્સાસ અને લ્યુઇસિયાનામાં જ 50,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 1,20,000 ઘરો અંધારામાં ડૂબી ગયા છે.


નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, અમેરિકાની અડધાથી વધુ વસ્તી આ તોફાનથી પ્રભાવિત છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) એ રાહત સામગ્રી અને બચાવ ટીમો તહેનાત કરી દીધી છે.
ન્યુ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાની અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે લોકોને કડક અપીલ કરી છે કે, 'આ જીવલેણ ઠંડીમાં બિનજરૂરી મુસાફરી ટાળો, ગરમ વસ્ત્રો પહેરો અને ઘરોમાં જ સુરક્ષિત રહો.'