ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું પ્રથમ પ્રતિક્રિયા, પાકિસ્તાનની ઝાટકણી કાઢી

January 27, 2026

ICCએ ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી સ્કોટલેન્ડને સ્થાન આપ્યું છે. પાકિસ્તાન પણ બૉયકોટની ધમકી આપી રહ્યું છે. એવામાં સમગ્ર મામલે પહેલીવાર BCCI તરફથી મોટું નિવેદન આવ્યું છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે, ભારત તો ઈચ્છતું હતું કે બાંગ્લાદેશ પણ ટુર્નામેન્ટ રમે, પણ પાકિસ્તાન તેને ગેરમાર્ગે લઈ ગયું.  રાજીવ શુક્લાએ કહ્યું છે કે, અમે તો ઈચ્છતા હતા કે બાંગ્લાદેશ પણ રમે. અમે તેમને કહ્યું હતું કે ભારતમાં તમારા ખેલાડીઓને પૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ તેઓ કહેતા રહ્યા કે અમે નહીં જ રમીએ. રમીશું તો શ્રીલંકામાં જ રમીશું. આખો કાર્યક્રમ નક્કી થઈ જાય પછી છેલ્લી ઘડીએ ના બદલી શકાય. ત્યારે જઈને ICCએ સ્કોટલેન્ડને સામેલ કરવું પડ્યું. પાકિસ્તાન જ બાંગ્લાદેશને ગેરમાર્ગે લઈ ગયું. પાકિસ્તાન કારણ વગર આ વિવાદમાં ઝંપલાવે છે. બાંગ્લાદેશને ઉશ્કેરવામાં તેનો મોટો હાથ છે. આ ખોટું કહેવાય.  ICCએ ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બાંગ્લાદેશના સમર્થનમાં ICCને ધમકી આપી રહ્યું છે. એવામાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન ભારત સાથેની મેચોનો બૉયકોટ કરી શકે છે. જોકે જો પાકિસ્તાન સમગ્ર ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરે તો ICC કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એવામાં હવે પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ એવી ચર્ચા ચાલી રહી છે કે ટુર્નામેન્ટમાં ભારત સિવાયની જ મેચોમાં રમીએ. જો પાકિસ્તાન ભારત સાથેની મેચનો બહિષ્કાર કરે તો તેને બે પોઈન્ટનું નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવીએ કહ્યું છે કે અમે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણયની જાહેરાત કરીશું.