યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ

January 27, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને 'મધર ઓફ ઑલ ડીલ્સ' કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.  નોંધનીય છે કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને 'મધર ઓફ ઑલ ડીલ્સ' કહે છે. ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.