વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ

January 27, 2026

અમેરિકામાં એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વાવાઝોડું એટલું ભયંકર છે કે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. સોમવારે વાવાઝોડાનો અંતિમ તબક્કો પૂર્વ તરફ આગળ વધતાં ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વધુ બરફ જમા થયો. દક્ષિણ વિસ્તારોમાં ઠંડકભર્યા વરસાદને કારણે ઘણા દિવસો સુધી સમસ્યાઓ સર્જાઈ, વૃક્ષો અને વીજળીના તાર પડી ગયા હતા વીજળી ગુલ થવાના કારણે લાખો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બરફના કારણે મુસાફરીમાં અવરોધો આવી રહ્યા છે.

વાવાઝોડું એટલું ભયંકર હતું કે દેશના આશરે 1,300 માઈલના પટમાં એક ફૂટથી વધુ ઊંડો બરફ પડતાં હાઈવે બંધ કરવા પડ્યા હતા. આ સાથે વધુ બરફને લીધે ફ્લાઇટ્સ રદ કરવી પડી અને અસંખ્ય શાળાઓ બંધ કરાઈ હતી. રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર પિટ્સબર્ગના ઉત્તરીય વિસ્તારોમાં 20 ઇંચ સુધી બરફ પડ્યો. સોમવારે મોડી રાતથી મંગળવાર સુધી પવનની ઠંડી ઘટીને માઇનસ 25 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી ગઈ હતી.