કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ

January 27, 2026

સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઈવે પર ગત રાત્રે આગ લાદી હતી. વાહનોના પાર્ટ્સના એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મળતી માહિતી મુજબ, આગની તીવ્રતા એટલી વધારે હતી કે ગોડાઉનમાં રાખેલા વાહનોના પાર્ટ્સની સાથે બહાર પાર્ક કરેલી 15થી વધુ કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. હાઈવેની નજીક જ આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતા જ કામરેજ, સુમિલોન અને આસપાસની ફાયર ટીમો તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર વાહનોની અવરજવર નિયંત્રિત કરી ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.