ઉત્તર ભારતમાં હવામાનના પલટો : નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સહિત NCRના અનેક વિસ્તારોમાં વરસાદ

January 27, 2026

મંગળવારે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી અચાનક હળવાથી મધ્યમ વરસાદના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સહિત NCRના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગ (IMD)એ આજે, 27 જાન્યુઆરીના રોજ દિલ્હી-NCR માટે તેજ પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

વરસાદના કારણે હવામાન બદલાતા દિલ્હી-NCRના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેજ પવનના કારણે ઠંડી અને હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ વધી ગયો છે. ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં થયેલી બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો છે. દિલ્હી માટે હવામાન વિભાગે આજે વરસાદ અને ભારે પવનનું એલર્ટ આપ્યુ છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે.

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં આજે બપોર સુધી હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. દિલ્હી ખાતે વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના છે. બપોર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધ્યો છે. જોકે, વરસાદ બાદ પવનની ગતિ વધતા પ્રદૂષણમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.