જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, લોનનો વિવાદ કારણભૂત

January 25, 2026

પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર થઈ ગયા

જૂનાગઢ : જૂનાગઢ શહેરના જયશ્રી રોડ પર ઓફિસ ધરાવતા કંપની સેક્રેટરી (CS) મિલન ચૌહાણનું લોનના વિવાદમાં અપહરણ થતા ચકચાર મચી ગઈ છે. અપહરણકારોએ યુવકને છોડવાના બદલામાં 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, જૂનાગઢ પોલીસની સતર્કતા અને એલસીબીની ટીમોનો પીછો જોઈ અપહરણકારો યુવકને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા.


જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે રહેતા મિલન ચૌહાણ ગત રાત્રે 8 વાગ્યા સુધી ઘરે ન પહોંચતા અને તેમનો મોબાઈલ બંધ આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. મિલનભાઈના સાળા યશ મારૂએ ઓફિસ તેમજ અન્ય સ્થળોએ તપાસ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ મિલનભાઈના ફોન પરથી જ તેના સાળાને ફોન આવ્યો હતો. જેમાં મિલનભાઈએ ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે, 'જય ઓડેદરા નામનો શખસ મને ઉપાડી ગયો છે, કાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજે અને પોલીસને જાણ કરતો નહીં.' ત્યારબાદ અન્ય એક શખસે ફોન ઝૂંટવી લઈને લોનનો મામલો પતાવી દેવા અથવા મિલનભાઈને પતાવી દેવાની ધમકી આપી હતી.
ઘટનાની જાણ થતા જ બી-ડિવિઝન અને એલસીબી (LCB) પોલીસની ટીમો હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા અપહરણકારો મિલનભાઈને લઈને જામનગર તરફ ગયા હોવાનું જણાયું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઘેરો વધારતા અપહરણકારો ગભરાઈ ગયા હતા. પકડાઈ જવાની બીકે તેઓ મિલનભાઈને જામનગરના જામનગર નજીક મુક્ત કરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.