દિલ્હીમાં ચાર વર્ષ પછી જાન્યુઆરીમાં સૌથી વધુ વરસાદ, રેકોર્ડ તૂટ્યો

January 28, 2026

દિલ્હીમાં જાન્યુઆરી મહિનાનો અંત ભીના અને ઠંડા માહોલ સાથે થયો છે. સતત વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજધાનીમાં ઠંડી વધી છે અને હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પશ્ચિમ ભારતથી આવેલા હવામાન પરિવર્તનનો અસર હવે દિલ્હી-NCRમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વરસાદ અને ગાજવીજ સાથેના વાદળછાયા વાતાવરણે ઠંડીને ફરી એકવાર તીવ્ર બનાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, જાન્યુઆરી મહિનો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ વરસાદી રહ્યો છે.

IMD ના આંકડા મુજબ, મંગળવારે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સફદરજંગ વિસ્તારમાં 4.2 મીમી વરસાદ પડ્યો, જ્યારે 23 જાન્યુઆરી, 2026 ના રોજ શહેરમાં કુલ 19.8 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે જાન્યુઆરી મહિનાનો કુલ વરસાદ 24 મીમી સુધી પહોંચી ગયો છે, જે 2022 પછીનો સૌથી વધુ છે.

વરસાદ બાદ તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. IMD મુજબ, આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ આવતા ત્રણ દિવસમાં તે ફરી 5 થી 6 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે. ત્યારપછી ફરી એકવાર તાપમાન વધશે. બુધવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને સવારે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. સફદરજંગમાં મહત્તમ તાપમાન 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.