ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઇમ હાઇ: બજાર ખૂલતાં જ હાહાકાર

January 27, 2026

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઈકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.  ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબુ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઇતિહાસના તમામ રૅકોર્ડ તોડ્યા છે અને ઓલ ટાઇમ હાઇ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.