ચાંદી 13 હજાર રૂપિયા મોંઘી થઈ! સોનું આજે ફરી ઑલ ટાઈમ: છેલ્લા 1 મહિનાથી ભારે તેજી

January 28, 2026

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે 28 જાન્યુઆરીએ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ.5,734નો ઉછાળો આવ્યો છે અને તે વધીને રૂ.1,64,635 પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં સોનું રૂ.10,335 મોંઘું થયું છે. અગાઉ 23 જાન્યુઆરીએ સોનાની કિંમત રૂ.1,54,310 પ્રતિ 10 ગ્રામ હતી.

ચાંદી પણ ચમકવા લાગી

બીજી તરફ, ચાંદી આજે રૂ.17,257 વધીને રૂ.3,61,821 પ્રતિ કિલો પર ઓપન થઈ હતી. જોકે, સાંજ સુધીમાં તેમાં રૂ.13,703ના વધારા સાથે તે રૂ.3,58,267 પર બંધ થઈ. છેલ્લા બે દિવસમાં ચાંદીની કિંમતમાં રૂ.40,562નો વધારો થયો છે. અગાઉ શુક્રવારે તેની કિંમત રૂ.3,17,705 પ્રતિ કિલો હતી. આ વર્ષે માત્ર 28 દિવસમાં જ ચાંદી રૂ.1.29 લાખથી વધુ મોંઘી થઈ ચૂકી છે.

કેરેટ અનુસાર સોનાની કિંમત:

24 કેરેટ: રૂ.1,64,635

22 કેરેટ: રૂ.1,50,806

18 કેરેટ: રૂ.1,23,476

14 કેરેટ: રૂ.96,312

28 દિવસમાં કરોડોનો ફાયદો

28 દિવસમાં સોનું રૂ.30,632 અને ચાંદી રૂ.1,31,401 મોંઘી થઈ આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ 28 દિવસમાં જ ચાંદી રૂ.1,31,401 મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ.2,30,420 હતી, જે હવે રૂ.3,61,821 પર પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાની કિંમતમાં રૂ.30,632નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,33,195 હતો, જે હવે રૂ.1,63,827 થયો છે.

સોનામાં તેજી પાછળના ત્રણ મુખ્ય કારણો

વૈશ્વિક તણાવ અને 'ગ્રીનલેન્ડ' વિવાદ: ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આગ્રહ અને યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની ધમકીઓએ વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધારી છે. જ્યારે પણ વેપાર યુદ્ધનો ભય વધે છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી નાણાં પાછા ખેંચી સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ વળે છે.

રૂપિયામાં રેકોર્ડ ઘટાડો: ભારતમાં સોનાનો ભાવ વૈશ્વિક દરોની સાથે ડોલર-રૂપિયાના વિનિમય દર પર પણ આધાર રાખે છે. રૂપિયો ડોલર સામે રૂ.91.10ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો છે. રૂપિયાની નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલા સોનાનો લેન્ડિંગ ખર્ચ વધી ગયો છે, પરિણામે સ્થાનિક બજારમાં કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે.

કેન્દ્રીય બેંકો દ્વારા ભારે ખરીદી: વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વિદેશી વિનિમય અનામત (Foreign Exchange Reserves)ને સુરક્ષિત રાખવા સોનાનો સંગ્રહ વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, 2026ની શરૂઆતમાં સેન્ટ્રલ બેંકોની મજબૂત માંગને કારણે પુરવઠો ઘટ્યો છે અને ભાવ વધ્યા છે.

ચાંદીની કિંમતમાં ભડકો થવાના મુખ્ય કારણો

ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો (EV)માં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. હવે ચાંદી માત્ર ઘરેણાંની વસ્તુ ન રહેતા એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કાચો માલ બની ગઈ છે.

ટેરિફનો ડર: અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક એકઠો કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને કિંમતો સતત વધી રહી છે.

ઉત્પાદકોમાં સ્પર્ધા: ભવિષ્યમાં ઉત્પાદન અટકી જવાના અથવા ભાવ વધવાના ડરથી ઉત્પાદકો અગાઉથી મોટી ખરીદી કરી રહ્યા છે, જેને કારણે આગામી મહિનાઓમાં પણ તેજી ચાલુ રહેવાની આશંકા છે.