અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા

January 28, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા છે.

અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.