પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

December 03, 2025

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મહત્વપૂર્ણ ભારત યાત્રાના બરાબર પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના ટોચના રાજદ્વારીઓ દ્વારા એક મુખ્ય અખબારમાં પ્રકાશિત કરાયેલા સંયુક્ત લેખને કારણે એક કૂટનીતિક વિવાદ સર્જાયો છે. આ લેખમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવતા નવી દિલ્હીએ આ પગલાને "અસ્વીકાર્ય અને અસામાન્ય" ગણાવીને સખત નારાજગી વ્યક્ત કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આ ખૂબ જ અસામાન્ય છે. ત્રીજા દેશો સાથેના સંબંધો પર જાહેરમાં સલાહ આપવી એ સ્વીકાર્ય કૂટનીતિક પ્રથા નથી. અમે આ બાબતની નોંધ લીધી છે." આ લેખ બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન, ફ્રેન્ચ રાજદૂત થિએરી માથુ અને જર્મન રાજદૂત ફિલિપ એકરમેન દ્વારા લખવામાં આવ્યો હતો, જેનું શીર્ષક હતું, 'દુનિયા ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય, પરંતુ રશિયા શાંતિ માટે ગંભીર લાગતું નથી'.

આ લેખમાં પુતિન પર માનવ જીવનની ઉપેક્ષા કરવાનો અને શાંતિ વાર્તામાં વિલંબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે પણ આ લેખ પર કડક પ્રતિક્રિયા આપતા તેને "કૂટનીતિક માપદંડોનો ભંગ" ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "આ અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય ભારતમાં રશિયા વિરોધી ભાવના જગાવવાનો અને રશિયા સાથેના અમારા સંબંધોની નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવવાનો છે."