તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ, પાયલટનું મોત

February 25, 2026

તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં 25 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે.

તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના '9મા મેઈન જેટ બેઝ' પરથી 25 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે (લગભગ 12:50 વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ બાલીકેસિર નજીક આવેલા ઇસ્તંબુલ-ઇઝ્મીર હાઈવે પાસે જઈને પડ્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનનો કાટમાળ દૂર-દૂર સુધી વેરાઈ ગયો હતો અને જોરદાર ધડાકા સાથે આગનો ગોળો આકાશમાં ઉઠ્યો હતો.

હાઈવે પરથી પસાર થઈ રહેલી કારના ડેશકેમમાં આ દુર્ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેટ ખૂબ જ ઝડપથી નીચેની તરફ પડી રહ્યું છે અને ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થાય છે. સદનસીબે હાઈવે પર કોઈ સામાન્ય નાગરિકને ઈજા પહોંચી નથી. બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી.