જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત

October 24, 2026

સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોની ભયાનક કરતૂત કેદ, અલ્પસંખ્યાક ખ્રિસ્તી સમુદાયમાં અજંપાભરી સ્થિતિ


કરાક : જોર્ડનના કરાક શહેરમાં શુક્રવારે એક ચર્ચની અંદર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓનો વરસાદ કરી દીધો. આ હુમલામાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 34 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ગોળીબાર કોણે કર્યો અને તેની પાછળ શું કારણ હતું.

એસોસિએટેડ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ, ગોળીબાર રાજધાની અમ્માનથી લગભગ 180 કિલોમીટર દક્ષિણમાં આવેલા કરાક શહેરના એક ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો. જોર્ડન સરકારના પ્રવક્તા મોહમ્મદ અલ-મોમાનીએ મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યાની માહિતી આપી. સુરક્ષા એજન્સીઓ ઘટનાની તપાસમાં જોતરાઈ છે. કરાકમાં ખ્રિસ્તી અલ્પસંખ્યાક સમુદાયની પણ વસતી છે. જોકે, અધિકારીઓ તરફથી હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલામાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકો કયા સમુદાયના છે અથવા હુમલાખોરોનું નિશાન કોણ હતું. રિપોર્ટ દરમિયાન ગોળીબારની ઘટના એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન થઈ છે. ત્યાંની સરકારી ટીવી ચેનલ 'અલ-મમલકા'ના રિપોર્ટ અનુસાર, સુરક્ષા દળોને ચર્ચની પાસે તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેઓ શંકાસ્પદોનો પીછો કરી રહ્યા છે. કરાકના હમૌદ ચર્ચમાં એક અંતિમ સંસ્કાર દરમિયાન કેટલાક બંદૂકધારીઓ એક ગાડીમાંથી ઉતર્યા અને તેમણે ગોળીબાર શરૂ કરી દીધો. 'અલ-મમલકા'એ જણાવ્યું કે આ હુમલામાં સાત લોકો માર્યા ગયા છે.
અલ-મમલકા પર દર્શાવવામાં આવેલા એક વીડિયોમાં ત્રણ લોકો ફૂટપાથ પરથી ચર્ચ પર ગોળીબાર કરતા દેખાયા. આ એક સિક્યુરિટી કેમેરાનો વીડિયો હતો. હુમલાખોરો ઝાડ અને એક નાની દીવાલ પાછળ છુપાયેલા હતા અને પછી ચર્ચના પ્રવેશદ્વાર તરફ દોડી ગયા હતા.