AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ

December 05, 2025

રાજપીપળા - નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ થતા મામલો બિચક્યો છે. આ ઘટના બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક રાજપીપળા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. બીજી તરફ, ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવે નિરંજન વસાવા સામે ગંભીર આક્ષેપો કરી વળતો પ્રહાર કર્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળાના સંતોષ ચાર રસ્તા પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા અને મોટી સંખ્યામાં આપના કાર્યકરો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. ત્યાં ટાઉન પોલીસ અને એલ.સી.બી. પી.આઈ. સાથે ધારાસભ્યની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવાએ પોલીસને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં આરોપી અને તેના સાથીદારોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નિરંજન વસાવાનો ભાઈ દારૂનો ધંધો કરતા ઝડપાયો હતો, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને અન્ય ભાજપ કાર્યકરો પર આક્ષેપો કર્યા હતા.