બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા

December 04, 2025

હરિયાણાના પાણીપતની પૂનમ નામની મહિલાએ સુંદર બાળકો પ્રત્યેની ઈર્ષ્યાને કારણે એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તેને કોઈ બાળક તેના કે તેની દીકરી કરતાં વધુ સુંદર હોય તે સહન થતું નહોતું. આ ઈર્ષ્યાને કારણે, આ 'કિલર મહિલા'એ પોતાના ત્રણ વર્ષના દીકરા સહિત કુલ ચાર માસૂમ બાળકોની હત્યા કરી નાખી.

આ મહિલાએ હત્યાની શરૂઆત વર્ષ 2023માં સોનીપતના બોહડ ગામમાં કરી, જ્યાં તેણે પોતાની નણંદની નાની દીકરીને બાથરૂમમાં લઈ જઈને પાણીમાં ડૂબાડી દીધી. પરિવારે આ ઘટનાને અકસ્માત માની લીધો. જોકે, પૂનમને પકડાઈ જવાનો ડર હતો, તેથી શંકા ન જાય તે માટે તેણે પોતાના જ ત્રણ વર્ષના દીકરાને પણ એ જ રીતે પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો અને પછી પાગલોની જેમ રડવાનો ઢોંગ કર્યો. વર્ષ 2025માં તેણે ફરી આ જ પદ્ધતિ અપનાવી અને આ વખતે તેના પિયરમાં રહેતી તેના ભાઈની દીકરી એટલે કે ભત્રીજીને નિશાન બનાવી, જેની સુંદરતા તેના માટે ઈર્ષ્યાનું કારણ બની હતી.