રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે

November 29, 2025

મુંબઈ : દીપિકા પદુકોણે થોડા દિવસો પહેલાં જ સંકેત આપ્યો હતો કે તે રણબીર કપૂૂર સાથે એક રોમકોમ ફિલ્મ કરવાની છે. હવે એવી વાત બહાર આવી છે કે આ એ જ ફિલ્મ હશે જેનાથી રણબીર કપૂર તેના દાદા રાજ કપૂરનું આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે. વધુમાં આ ફિલ્મ રાજ કપૂર અને  નરગિસની ક્લાસિક  ફિલ્મ 'ચોરી ચોરી' પર આધારિત હશે તેમ પણ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે મૂળ 'ચોરી ચોરી '  ફિલ્મ  પણ વાસ્તવમાં હોલીવૂડની એક ફિલ્મ 'ઈટ હેપન્ડ વન નાઈટ'નું ભારતીય રુપાંતર જ હતી. આ જ વાર્તા પરથી આમિર ખાન અને પૂજા ભટ્ટની 'દિલ હૈ કિ માનતા નહિ' પણ બની ચૂકી છે. જોકે, એવો  દાવો થઈ રહ્યો છે કે રણબીર કપૂર અને દીપિકા પદુકોણની નવી ફિલ્મનો ડાયરેક્ટર અયાન મુખર્જી 'ચોરી ચોરી'ની મૂળ વાર્તાનો સહારો લઈ તેને આધુનિક સંદર્ભમાં ઢાળવાનો છે.  થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક ચાહકે રણબીર અને દીપિકાની જોડી ફરી ફિલ્મી પડદે આવવી જોઈએ તેવી ડિમાન્ડ મૂકી હતી. દીપિકા પદુકોણે તેને લાઈક કરીને અનુમોદન આપ્યું હતું. એવું મનાય છે કે ફિલ્મની  જાહેરાત પૂર્વે સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી રુપે જ આ સંકેત આપવામાં આવ્યો હતો.