દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ

December 03, 2025

દંતેવાડા  : દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે.

અથડામણ સ્થળેથી એએલઆર રાઈફલ, પોઈન્ટ 303 રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં જંગલમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઠાર કરાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધવાની શક્યતા છે.