'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!

December 02, 2025

અભિનેતા રણવીર સિંહ હાલમાં આગામી ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દિવસોમાં તેઓ એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'માં દર્શાવવામાં 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે.  હાલમાં જ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા(IFFI)ના મંચ પર રણવીર સિંહે 'કાંતારા'ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે 'દૈવ એક્ટ'ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. 'કાંતારા' ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં મંચ પર તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી.