અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક

December 22, 2025

છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ શહેર DEOએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ DEO પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને અસર ન પડે તે જોવાનો છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક થતા જ શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાલી મંડળ દ્વારા DEOનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.