Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્રી પદ

May 19, 2025

જાણીતા પત્રકાર અને રાજકારણી એમજે અકબર ફરી એકવાર પીએમ મોદીની ટીમમાં પાછા ફર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે જે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકારે એમજે અકબરને પણ સામેલ કર્યા છે. સાત વર્ષ પહેલા 2018માં, MeTooના આરોપો બાદ તેમને વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે હાથ ધરેલુ ઓપરેશન સિંદૂરનું સત્ય જણાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવા જઈ રહી છે. જેમાં એમજે અકબરને  સામેલ કર્યા છે. એમજે અકબરની આ પ્રતિનિધિમંડળમાં પસંદગી પાછળનું એક કારણ તેમની પાકિસ્તાન વિરૂદ્ધ બુલંદ અવાજ હોઈ શકે છે. એમજે અકબર આતંકવાદને લઈને પાકિસ્તાન વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાની પણ પ્રશંસા કરતાં કહ્યું હતું કે, પીએમ મોદીએ તે શક્ય બનાવ્યું જે લોકો કલ્પના પણ કરી શકતા નથી. પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવી. લાંબા સમય સુધી પત્રકારત્વ કર્યા બાદ એમજે અકબર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં. 1989માં કોંગ્રેસની ટિકિટ પર કિશનગંજ બિહારથી ચૂંટણી લડ્યા હતા. બે વર્ષ પછી, 1991માં ફરીથી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  બાદમાં 2014માં ભાજપમાં જોડાયા હતાં. એક વર્ષ સુધી પાર્ટી પ્રવક્તા રહ્યા બાદ, 2015માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા અને વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.  2018માં MeToo નો કેસ દાખલ થયો હતો. તેમની સાથે કામ કરતી મહિલાઓએ તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, એમજે અકબરે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં. તેમણે ફરિયાદી પત્રકાર પ્રિયા રામાણી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દિલ્હીની એક કોર્ટે 2021માં રામાણીને નિર્દોષ જાહેર કર્યા હતાં. ત્યારબાદ એમજે અકબર દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા અને કોર્ટના આ નિર્ણયને પડકાર્યો હતો. જ્યાં દિલ્હી હાઈકોર્ટે રામાણીને નોટિસ પાઠવી હતી. આ કેસના લીધે તેઓ કેન્દ્રીય મંત્રી પદ છોડવા મજબૂર બન્યા હતાં. હવે ફરી પીએમ મોદીની ટીમમાં જોવા મળશે.