વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા

January 02, 2026

પંચમહાલ- શહેરા મતવિસ્તારમાં આવતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના રજૂઆત અને વિરોધનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવીન જાહેર કરાયેલા 'ગોધર' તાલુકામાં સમાવાયેલા શહેરાના 10 ગામોને જનભાવનાને માન આપીને ફરીથી શહેરા તાલુકામાં જ યથાવત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવતા પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.


રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા 17 નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવો 'ગોધર' તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. આ તાલુકાની રચનામાં સંતરામપુરના 58 ગામોની સાથે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, ખુટખર, બલુજીના મુવાડા, કોઠા, જુનાખેડા, આસુંદરીયા, મોર, ઉંડારા અને રમજીની નાળ એમ કુલ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે ભૌગોલિક અને વહીવટી મુશ્કેલીઓ સર્જાઈ હતી, કારણ કે આ ગામો શહેરા મતવિસ્તારમાં હોવા છતાં તેમનો તાલુકો બદલાઈ રહ્યો હતો. જેનો ગ્રામજનોએ સખત વિરોધ કર્યો હતો. ગ્રામજનોની લાગણી અને માંગણીને સમજીને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ મામલે મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, આ 10 ગામો ભૌગોલિક રીતે શહેરા સાથે જોડાયેલા છે. તે શહેરા મતવિસ્તારનો ભાગ છે. ગોધર તાલુકામાં જવાથી ગ્રામજનોને વહીવટી કામકાજ માટે મોટું અંતર કાપવું પડે અને જિલ્લા સ્તરે પણ વિસંગતતા સર્જાતી હતી.