અમદાવાદ પ્લેન ક્રેશ: વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડ તો મુસાફરોના પરિવારજનોને 225 કરોડ ચુકવ્યા

January 24, 2026

અમદાવાદ : ગ્લોબલ રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઈન્ડિયાને થયેલા નુકસાનમાં અત્યાર સુધી 125 મિલિયન ડોલર એટલે કે લભગલ 1125 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે. આ રકમમાં વિમાનના ઢાંચા અને એન્જિનમાં ક્ષતિથી થયેલા નુકસાન સામે વીમાના દાવા મુજબનું વળતર આપવામાં આવ્યું છે. આ સાથે જ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પણ 25 મિલિયન ડોલર (225 કરોડ) રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. જો કે, મુસાફરો સાથે જોડાયેલા દાવાઓની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી જેથી વળતરનો આંકડો હજુ વધુ હોઈ શકે છે. 

ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા જેમાં 241 મુસાફરો તેમજ અન્ય ક્રુ સભ્યો સામેલ હતા. ખાનગી રિપોર્ટના દાવા મુજબ ભારતીય રિઇન્શ્યોરર્સ (GIC Re) પહેલા જ દાવો કરી ચૂક્યું છે કે દુર્ઘટનામાં વીમાના દાવાનું કુલ રકમ 475 મિલિયન ડોલર એટલે કે અંદાજિત 4,275 કરોડ રૂપિયા છે, જેમાંથી 350 મિલિયન ડોલર મુસાફરો અને તૃતીય પક્ષના દાવાઓ સંબંધિત જવાબદારીઓ માટે હશે. નિષ્ણાતોના મતે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારો બંને સામાન્ય રીતે વળતર મેળવવાના હકદાર હોય છે, ભલે પાઇલટની ભૂલ હોય. હકીકતમાં, જો જાળવણી સ્ટાફ અથવા ટેકનિશિયનની બેદરકારી સ્થાપિત થાય તો વળતરની રકમ સંભવિત રીતે વધી શકે છે.