રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે

April 01, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે સેન્સેક્સમાં 950થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 500 પોઈન્ટના કડાકે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 639.13 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.30 વાગ્યે 877.31 પોઈન્ટના કડાકે 76537.61 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું

એનએસઈ નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું છે. આજે વધુ 180.25 પોઈન્ટ ગબડી 23339.10ના નીચા સ્તરે પહોંચ્યો હતો. જે 10.30 વાગ્યે 211.60 પોઈન્ટના ઘટાડે 23307.75 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે આજે 26 શેર સુધારા તરફી અને 24 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.

માર્કેટમાં મોટા કડાકા વચ્ચે આજે ટેલિકોમ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે. ઈન્ડસ ટાવરનો શેર 7.26 ટકા ઉછળ્યો છે. જ્યારે ટીટીએમએલ 6.27 ટકા, તેજસ નેટવર્ક 5.40 ટકા, સુયોગ 5.00 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતી એરટેલના શેરમાં પણ સુધારો જોવા મળ્યો છે. જેના પગલે બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સ આજે 2.86 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યું હતું.

ટ્રમ્પ ટેરિફ લાદવા મક્કમ

ટ્રમ્પે અગાઉ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં બીજી એપ્રિલે અમેરિકાનો લિબરેશન ડે હોવાથી ટેરિફ લાદવાની મુદત પાછી ખેંચાશે તેવા અહેવાલો મળ્યા હતાં. પરંતુ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે મક્કમ વલણ ધરાવતાં હોવાથી રોકાણકારો સાવચેત બન્યા છે. રોકાણકારો આ મુદ્દે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. ગત સપ્તાહે જ ઓટોમોબાઈલ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારોએ પણ છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં નેટ લેવાલી નોંધાવ્યા બાદ 28 માર્ચે 4352 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં કડાકો નોંધાતા બેન્કેક્સ 1.01 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 1.05 ટકા કડાકે કારોબાર થઈ રહ્યા છે. રિયાલ્ટી ઈન્ડેક્સ 2.13 ટકા, આઈટી 2.01 ટકા, ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.25 ટકા કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો.