બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4ના રિમાન્ડ મંજૂર

January 02, 2026

હાલ ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા નામના વ્યક્તિ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે 8 શખ્સો પૈકીના 4 આરોપી નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળીયાનાના 48 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ બનાવની ગંભીરતાને જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307)ની કલમનો ઉમેરો કરાયો છે. જોકે, આ મામલે ઘણા નવા વળાંકો આવ્યા છે. કોળી સમાજ પણ મેદાને આવ્યો છે.  હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં માયાભાઈ આહીરના ફાર્મ હાઉસ પર પુત્ર જયરાજ આહીર જોવા મળી રહ્યો છે. આ કથિત વીડિયોમાં જયરાજ આહીર અને તેની સાથે આરોપીઓ પણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.