નફરત ફેલાવતાં ભાષણો કરનાર 107 સાંસદો અને ધારાસભ્યો સામે કેસ : ADR

October 04, 2023

દેશમાં નફરત ફેલાવતા ભાષણો કરનાર 107 સાંસદો તેમજ ધારાસભ્યો સામે કેસ કરાયા છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં આવા કેસ ધરાવતા 480 ઉમેદવારોએ ચૂંટણી લડી હોવાનું પોલ રાઈટ્સ સંસ્થા એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નાં રિપોર્ટમાં જણાવાયું છે. એડીઆર તેમજ નેશનલ ઈલેક્શન વૉચ (NEW) દ્વારા આવા સાંસદો તેમજ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી સ્વ કબૂલાતવાળી એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

જેમાં આ જ ગાળામાં રાજ્ય વિધાનસભા તેમજ લોકસભામાં હારી ગયેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટનાં અભ્યાસમાં જણાયું હતું કે સંસદસભ્ય કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા લોકોએ તેમની સામે નફરતભર્યા ભાષણો કરવા માટે કેસ કરાયા હોવાની કબૂલાત કરી હતી. છેલ્લી ચૂંટણી વખતે કરવામાં આવેલી એફિડેવિટનો અભ્યાસ કરાયો હતો.

33 સાંસદો દ્વારા તેમની સામે હેટ સ્પીચનાં કેસ કરવામાં આવ્યા હોવાનું કબૂલ્યું હતું. જેમાં 7 યુપીનાં, 4 તામિલનાડુનાં, 3-3 બિહાર, કર્ણાટક અને તેલંગણાનાં, 2-2 આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનાં તેમજ 1-1 ઝારખંડ, મધ્યપ્રદેશ, કેરળ, ઓડિશા અને પંજાબનાં હતા.

એડીઆરનાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ જેમની સામે હેટ સ્પીચનાં કેસ થયા હોય તેવા 480 ઉમેદવારોએ રાજ્ય વિધાનસભા કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી લડી હતી. 74 ધારાસભ્યો સામે હેટ સ્પીચના કેસ કરાયા હતા. 74 પૈકી 20 MLA ભાજપનાં જ્યારે 13 કોંગ્રેસનાં, 6 આપનાં, પાંચ SP તેમજ YSRCP નાં અને 4 DMK તેમજ RJDનાં છે.