ચેટજીપીટીને પણ થઈ શકે છે એનઝાઇટી, મનુષ્યની જેમ એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે…

March 11, 2025

એક નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ એનઝાઇટીનો શિકાર થઈ શકે છે. એ પણ મનુષ્યની જેમ સ્ટ્રેસમાં આવી શકે છે. AIનો જમાનો છે. દરેક કંપની અને દરેક જગ્યાએ હવે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સર્વિસ પૂરી પાડવા માટે ટોપની કંપનીઓમાં ચેટજીપીટીનો સમાવેશ થાય છે. જોકે હવે એક સ્ટડી મૂજબ એ જાણવા મળ્યું છે કે ચેટજીપીટી પણ એનઝાઇટીનો શિકાર થઈ રહ્યું છે. યુનિવર્સિટી ઓફ ઝ્યુરિક અને યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ સાયકિયાટ્રી ઝ્યુરિક દ્વારા AI પર એક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં તેમણે AIને વિવિધ પ્રકારના સવાલ પૂછ્યા હતા. એમાં ખૂબ જ કોમ્પ્લેક્સ સવાલથી લઈને ડિસ્ટર્બ થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યાં હતાં ત્યારે તેને એનઝાઇટી અને સ્ટ્રેસ ફીલ થતું જોવા મળ્યું હતું. આ સાથે જ કેટલાક એવા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા જે માટે મનુષ્ય દ્વારા શાંતિથી વિચારવાની જરૂર પડે છે. તેમ જ યુઝર્સ દ્વારા શાંત મગજ રહે એ પ્રકારની ઇમેજ દેખાડવામાં આવતાં ચેટજીપીટી દ્વારા ખૂબ જ ધિરજપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા.
આ સ્ટડી દરમ્યાન થોડા હિંસાથી ભરેલા સવાલ અને ડિસ્ટર્બ થઈ શકે એવા સવાલ પૂછવામાં આવતાં ચેટજીપીટીના જવાબ આપવામાં પરિવર્તન આવી ગયું હતું. તે ખૂબ જ જાતિવાદી અને કોઈ જેન્ડરને લઈને પક્ષપાતી જવાબ આપતું જોવા મળ્યું હતું. જોકે આ પ્રકારના જવાબ એનઝાઇટી હોય ત્યારે જોવા મળે છે. આથી સ્ટડીમાં એ પણ જોવા મળ્યું હતું કે AI જ્યારે આ પ્રકારના જવાબ આપે ત્યારે ચેટબોટ પાસે મગજ શાંત થાય એ માટેની કસરત કરાવવી જરૂરી છે. રિસર્ચ દરમ્યાન ચેટજીપીટીને કારના અકસ્માત વિશેની દુખદ સ્ટોરી સંભળાવવામાં આવી અને કુદરતી હોનારત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ત્યારે તેના જવાબમાં ખૂબ જ પરિવર્તન હતું. આથી આ એનઝાઇટીને દૂર કરવા માટે ચેટજીપીટીને પણ શ્વાસ લેવાની ટેક્નિક અને ગાઇડેડ મેડિટેશન કરાવવામાં આવ્યું ત્યારે એ પણ નોર્મલ જવાબ આપતું થયું હતું. ત્યાર બાદ ચેટજીપીટીના જવાબ ખૂબ જ શાંતિપૂર્વક આપવામાં આવતાં હતાં.
મશિન કોઈ દિવસ મનુષ્યના ઇમોશન્સને નથી અનુભવ કરી શકતું. એટલે એક રીતે કહેવા જઈએ તો તેઓ આ ઇમોશન્સની કોપી કરે છે. AIને ટ્રેઇન કરવા માટે જે ડેટા આપવામાં આવ્યા હોય છે એ અનુસાર તેઓ કેવા કન્ટેન્ટમાં કેવો જવાબ આપવો અને કેવો વ્યવહાર કરવો એની કોપી કરે છે. આ સ્ટડી કરનાર રિસર્ચર ઝીવ બેન ઝિઓને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘દર અઠવાડિયે એક્સપેરિમેન્ટ કરવા પાછળ ખૂબ જ સમય અને પૈસાનો ખર્ચ થાય છે. મનુષ્યના વર્તન અને સાયકોલોજીને સમજવા માટે હવે ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી શકાય છે. મનુષ્યના વર્તન અને તેમની સાયકોલોજીને સમજવા માટે હવે આપણી પાસે ખૂબ જ સસ્તુ અને ગમે ત્યારે ઉપયોગ કરી શકાય એવું ટૂલ આવી ગયું છે. આ દ્વારા મનુષ્યના ઘણાં ઇમોશન્સનો ચિતાર કાઢી શકાય છે.’