છત્તીસગઢ : કોંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલના પંજામાંથી છત્તીસગઢ ગયું

December 03, 2023

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે, બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થતું નજરે પડી રહ્યું છે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. પરંતુ હવે કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પંજામાંથી છત્તીસગઢ ગયું એવું જ સમજો. કારણ કે રાજ્યમાં બહુમતી માટે 46 બેઠકોની જરૂર હોય છે. ત્યારે આ બહુમતીનો આંકડો પાર કરીને ભાજપ 50થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ 30થી 35 બેઠકો વચ્ચે ચાલી રહ્યું છે. ત્યારે છત્તીસગઢની જનતાનો જનાદેશ ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ છે. ભાજપ છત્તીસગઢમાં સરકાર બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. રાજ્યમાં 7 અને 17 નવેમ્બર આમ, 2 તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આજે મતગણતરી ચાલી રહી છે. 

છત્તીસગઢમાં ભાજપની જીત નક્કી હોવાનું સામે આવતા જ ભાજપમાંથી કોણ મુખ્યમંત્રી હશે તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. કારણ કે ભાજપે છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી છે. ત્યારે ભાજપ ચાર સૌથી ચર્ચીત ચહેરામાંથી કોઈ એકની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી શકે છે, જોકે હાઈકમાન્ડ બધાને આશ્ચર્યચકિત કરી શકે તેવા ચહેરની પણ જાહેરાત કરી શકે છે. ભાજપ હરિયાણા-મહારાષ્ટ્રની જેમ નવા ચહેરાની જાહેરાત કરી શકે છે. હાલ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પૂર્વ સીએમ રમણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, પૂર્વ સરકારી અધિકારી ઓપી ચૌધરી તેમજ આદિવાસી નેતા રામ વિચાર નેતામના નામની ચર્ચા થઈ રહી છે. જોકે ભાજપ જો બહુમત સાથે ચૂંટણી જીતે છે તો સીએમના ચહેરાની પસંદગીના મામલે આશ્ચર્યચક્તિ પણ કરી શકે છે.