વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી

January 04, 2026

વિસાવદર- નાની મોણપરી ગામની સીમમાં સિંહણ હુમલામાં ચાર વર્ષના બાળકનું મોત થયું છે. ખેતરમાં રમી રહેલા બાળકને સિંહણ ઢસડી ગઈ હતી. શરીર પર ઈજાના નિશાન સાથે મૃતદેહ મળી આવ્યો છે. પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં હાલ શોકની લહેર અને ડરનો માહોલ છવાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઇ હતી જેમાં એક વન કર્મીને ગોળી વાગતા જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના ખેતરમાં એક શ્રમિક પરિવાર ખેત મજૂરીની કામ કરી રહ્યો હતો. આજે વહેલી સવારે ખેતરમાં રમતો ચાર વર્ષનો પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક આજુબાજુના ખેતરમાં તેની તપાસ શરૂ કરી હતી. પણ બાળક ન મળતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ વાડીના માલિકને કરવામાં આવતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. પરિવાર અને વાડીના માલિકને શંકા હતી કે કોઈ જાનવર બાળકને ઉપાડી ગયું છે. 
બાદમાં વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. પરિવાર પાસેથી પ્રાથમિક માહિતી મેળવી બાળકની ભાળ મેળવવા વાડી વિસ્તાર અને આસપાસની ઝાડીઓમાં શોધખોળ શરૂ હતી. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું હતું. બાળકના શરીર પર ઊંડા ઘા હતા. વન વિભાગના કર્મચારીઓ તપાસ કરતાં તે સિંહણનો હુમલો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બાળકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર ભાંગી પડ્યો હતો.  બીજી તરફ સિંહણે બાળકનો શિકાર કર્યો તે વાત પવન વેગે પંથકમાં ફેલાઈ ગઈ હતી. નાની મોણપરી ગામના આસપાસના ગામમાં ડરનો માહોલ ઊભો થયો, વન વિભાગે પણ સતર્ક થતાં હિંસક બનેલી સિંહણને ટ્રેક્યુલાઈઝર કરી પાંજરે પૂરવાની કવાયત હાથ છે. સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે.

ત્યારબાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને તુવેરના ખેતરમાં ટ્રેસ કરી લીધી હતી, તેને પકડવા માટે બેભાન કરવાની ટ્રાન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કર્યો હતો પણ અચાનક ગોળી વન કર્મચારીને લાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સિંહણને પકડવાનું ઓપરેશન અટકી ગયું હતું અને હાલ વનકર્મીને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.