બાળકોને સોશિયલ મીડિયાનું લાગી રહ્યુ છે વળગણ, વય મર્યાદા નક્કી કરો:કર્ણાટક હાઈકોર્ટ

September 20, 2023

કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની વય મર્યાદાને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઈકોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે લોકો 'ઓછામાં ઓછા 21' વર્ષના તો હોવા જ જોઈએ.

કર્ણાટક હાઈકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચ અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટ્વીટ્સને બ્લોક કરવાના કેન્દ્રના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા કંપનીની અરજીને ફગાવી દીધી હતી અને આદેશોનું પાલન ન કરવા બદલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને કહ્યું કે કાયદામાં હવે વપરાશકર્તાઓને અમુક ઓનલાઈન ગેમ એક્સેસ કરતા પહેલા આધાર અને અન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. ત્યારે કોર્ટે પૂછ્યું કે આ પ્રકારની ઓળખ સોશિયલ મીડિયા પર પણ કેમ વિસ્તૃત કરવામાં આવી રહી નથી.