કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન, અભિજીતે કહ્યું- આ તો માત્ર ટ્રેલર હતું!

June 06, 2026

દિલ્હી- શનિવારે સવારથી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું 'કોકરોચ જનતા પાર્ટી'નું પહેલું મોટું ઓન-ગ્રાઉન્ડ પ્રદર્શન હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. પ્રદર્શન પૂરું થયા બાદ આંદોલનકારીઓને શાંતિપૂર્વક ઘરે પરત ફરવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રદર્શન પૂરું થતાં જ આંદોલનના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને સરકારને ચેતવણી આપી છે કે, આ તો બસ એક ટ્રેલર હતું!
સીજેપી સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શન સમાપ્ત થયા બાદ એક્સ (X) પર લખ્યું કે, માતા-પિતાને મળવા ઘરે જઈ રહ્યો છું, તેમને છેલ્લી વાર મળ્યાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં તેમને ઘણી તકલીફ પડી છે અને ધમકીઓને કારણે તેમણે ઘર છોડવું પડ્યું હતું. હવે તેમને પાછા ઘરે લઈ જઈશ. આજનો પ્રોટેસ્ટ તો બસ એક ટ્રેલર હતું. આટલી મોટી સંખ્યામાં આવવા માટે આપ સૌનો આભાર!
આ આંદોલનની શરૂઆત ખૂબ જ રસપ્રદ અને કટાક્ષભરી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર મજાક તરીકે શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. અભિજીત દીપકે જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમના હાથમાં બાબાસાહેબ આંબેડકરની બાયોગ્રાફીનું પુસ્તક હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓના ટેન્શન અને કૌભાંડોના કારણે અત્યાર સુધીમાં 5 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે, જેથી શિક્ષણ મંત્રીએ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.