ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું

January 18, 2025

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થવાના કારણે બર્ફિલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો હતો. ગુજરાતના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતના તાપમાનમાં ત્રણ ડિગ્રીની આસપાસ ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટતાં પારો 6 ડિગ્રી પહોંચ્યો હતો. જોકે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરી છે.

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 18.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટીને 6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.