દિલ્હીમાં નવી વ્યૂહનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે કોંગ્રેસ

January 06, 2025

દિલ્હી : રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દિલ્હીમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી, પરંતુ આ વખતે પાર્ટી પોતાની ભૂલોમાંથી શીખીને નવી વ્યૂહરચના સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. જોકે આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ હજુ ઉમેદવારોના નામ જાહેર કરવાના મામલે પાછળ છે.


પરંતુ સવાલ એ છે કે, કોંગ્રેસ જે રીતે ચૂંટણીની જોરદાર તૈયારીઓ કરી રહી છે, તેનો તેને કોઈ ફાયદો થશે ખરો?  દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ સર્જાય તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો ત્યારે લાગ્યો, જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેમની પાર્ટી કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન નહીં કરે. જ્યારે થોડા મહિના પહેલા જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, તેમ છતાં આ બંને પક્ષો દિલ્હીમાં એક પણ બેઠક જીતી શક્યા ન હતા અને ભાજપે તમામ સાત બેઠકો પર ચૂંટણી જંગ જીતી હતી.
અત્યાર સુધી દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓની વાત કરીએ. કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો વોર રૂમ તૈયાર કરી લીધો છે અને ચૂંટણી કેવી રીતે લડવી તે અંગે ઉમેદવારોને માર્ગદર્શિકા આપી રહી છે. તો આ બાજુ  રાજધાનીની અંદર ચૂંટણીની હરીફાઈમાં પોતાને દેખાડવા માટે પાર્ટી તેના ઘણા વરિષ્ઠ નેતાઓને ચૂંટણીની જવાબદારીઓ સોપવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે.