બિઝનેસમાં છેતરપિંડી, બીમાર પુત્રીની સારવાર માટે પૈસા નહીં: બે બાળકોને ઝેર આપી પતિ-પત્નીનો આપઘાત

January 07, 2025

બેંગલુરુમાં રવિવારે રાત્રે 38 વર્ષીય સોફ્ટવેર કન્સલ્ટન્ટ અને તેની પત્નીએ પોતાના બે બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. આર્થિક બોજ અને ભાવનાત્મક તણાવના કારણે દંપતીએ આ પગલું ઉઠાવ્યું. શરૂઆતની તપાસ બાદ જાણ થઈ કે અનૂપ કુમાર અને રાખીએ પોતાની પાંચ વર્ષીય ઓટિસ્ટિક પુત્રી અનુપ્રિયા અને બે વર્ષીય પુત્ર પ્રિયાંશને ઝેર આપીને પોતાને પણ ફાંસી પર લટકાવી દીધા. આ પરિવાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી હતો અને સદાશિવનગરમાં ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર સોમવારે જ્યારે કપલ દ્વારા બાળકોની સારસંભાળ માટે એક મહિલા કામે આવી તો તેણે અનૂપને ફાંસી પર લટકેલો જોયો અને બૂમો પાડી. પાડોશી દોડી આવ્યા અને તેમણે બીજા રૂમમાં અન્ય લોકોને મૃત જોયા. મહિલા રેશમાએ પોલીસને જણાવ્યું કે 'મને થોડું જલ્દી આવવા માટે કહેવામાં આવ્યું હતું કેમ કે પરિવારે પુડુચેરી જવાનું આયોજન કર્યું હતું.' પોલીસે અનૂપ કુમારના લેપટોપ અને મોબાઈલ ફોનની તપાસ કરી અને જાણ્યું કે તેણે અડધી રાત્રે પોતાના મોટા ભાઈ અમિતને એક ઈમેલ મોકલ્યો હતો. મેઈલની વિગતો અને પરિવારના પરિચિતોના નિવેદનોના આધારે પોલીસે કહ્યું કે 'અનૂપની નાણાકીય તકલીફ ત્યારે શરૂ થઈ જ્યારે તેના મામા રાકેશે તેને 2018માં પ્રયાગરાજમાં એક પેટ્રોલ પંપ શરૂ કરવા માટે જમીનના એક ટુકડા પર લગભગ 25 લાખ રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી. વ્યવસાય શરૂ થયો નહીં અને તેની મહેનતની કમાણી ફસાઈ ગઈ.'