BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં

January 07, 2025

બ્રાઝિલ હાલમાં વિકાસશીલ દેશોના સમૂહ બ્રિક્સના અધ્યક્ષ છે. સોમવારે, બ્રાઝિલે જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમજ પાકિસ્તાન પણ એક ઇસ્લામિક દેશ છે જે બ્રિક્સનું સભ્યપદ ઇચ્છે છે. આથી ઈન્ડોનેશિયાની બ્રિકસમાં એન્ટ્રી પાકિસ્તાન માટે મોટો ફટકો છે. વર્ષ 2023માં પાકિસ્તાને બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી હતી. પાકિસ્તાનને આશા હતી કે બ્રિક્સ સભ્યો તેના સભ્યપદને મંજૂરી આપશે. પરંતુ એવું થયું નહિ. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે સમૂહના નેતાઓએ ઓગસ્ટ 2023માં ઈન્ડોનેશિયાના સભ્યપદને મંજૂરી આપી હતી. જો કે, ઈન્ડોનેશિયાએ ત્યાં નવી સરકાર રચાયા પછી જ ઔપચારિક રીતે સમૂહમાં જોડાવાનું નક્કી કર્યું છે.  વર્ષ 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીને મળીને આ સમૂહની સ્થાપના કરી હતી. દક્ષિણ આફ્રિકા વર્ષ 2010માં તેમાં જોડાયું હતું. ગત વર્ષે ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા અને યુએઈને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાને પણ તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી તેમાં જોડાયું નથી. તુર્કીએ, અઝરબૈજાન અને મલેશિયાએ ઔપચારિક રીતે સભ્યપદ માટે અરજી કરી છે. તેમજ કેટલાક અન્ય દેશો પણ બ્રિક્સ સભ્યપદ ઈચ્છે છે. બ્રિક્સનું સભ્યપદ સર્વસંમતિથી પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એ છે કે, જો તમામ સભ્યો ન ઇચ્છતા હોય, તો કોઈપણ દેશ બ્રિક્સમાં જોડાઈ શકે નહીં. ભારતે દેખીતી રીતે ઈન્ડોનેશિયાના સભ્યપદને સમર્થન આપ્યું હતું. જયારે પાકિસ્તાની મીડિયા દર વખતે કહે છે કે ભારત તેની સદસ્યતાને રોકી રહ્યું છે. અમેરિકા બ્રિક્સને પશ્ચિમ વિરોધી જૂથ તરીકે જુએ છે. કારણ કે તાજેતરના વર્ષોમાં રશિયા અને ચીન ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. તે બ્રિક્સ માટે ચલણ બનાવવા માંગે છે. પરંતુ ભારત આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.