કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળતાં જ BCCIના નવા સેક્રેટરીનો કડક સંદેશ

January 07, 2025

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર થઈ છે. જેમાં ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માનું શરમજનક પ્રદર્શન રહ્યું હતું. હવે તેમના ભવિષ્યને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન BCCI રવિવારની તેની વિશેષ સામાન્ય સભામાં પહેલી વખત આ બાબતે ચર્ચા કરશે એવું કહેવાઈ રહ્યું છે. જેમાં બોર્ડના નવા સચિવ દેવજીત સાયકીયાએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગેની જવાબદારી સોંપી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતે 12 જાન્યુઆરી સુધીમાં ટીમની જાણકારી આપવાની છે. આ દરમિયાન સાયકીયાએ જણાવ્યું હતું કે, 'રોહિત અને કોહલીના ભવિષ્યની આસપાસની અફવાઓ ખાસ કરીને કૅપ્ટન રોહિત કે જે સિડની મેચમાંથી બહાર રહ્યો હતો છતાં તેણે હમણા નિવૃત્તિ ન લેવાની સ્પષ્ટતા કરી હતી. આ બધું બોર્ડને નબળું બનાવી રહ્યું છે.'આ સિવાય તેમણે બોર્ડને મજબૂત સંદેશ મોકલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કોહલી અને રોહિત બંનેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાના સંકેતો પણ આપ્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે કોઈ પણ ખેલાડી રમતથી મોટો નથી. તેમણે કહ્યું હતું કે, ' BCCIએ પૂરા દેશમાં ક્રિકેટ ચલાવવાનું છે. બોર્ડે સંદેશ આપવાની જરૂર છે કે કોઈ પણ ખેલાડી પોતાને રમત કરતાં મોટો ન સમજે. હવે નવી ટીમ પસંદ કરવાની જરૂર છે.'ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ તે પહેલાં જ કોહલી અને રોહિતની ટીકાઓ થઈ રહી હતી. કારણ કે આ બંને ખેલાડીઓ માટે આ નિર્ણાયક સીરિઝ માનવામાં આવી રહી હતી. કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ બાકીની ઇનિંગ્સમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો હતો. જેમાં એક પણ અડધી સદી સામેલ ન હતી. બીજી તરફ રોહિતે નિર્ણાયક સિડની ટેસ્ટ મેચમાંથી બહાર થયા પહેલા તેણે પાંચ ઇનિંગમાં માત્ર 6.2ની સરેરાશથી માત્ર 31 રન બનાવ્યા હતા. એકંદરે તેણે સપ્ટેમ્બરથી અત્યાર સુધીની આઠ મેચોમાં 10થી વધુની સરેરાશ સાથે માત્ર 164 રન બનાવ્યા છે.