સંધ્યા થિયેટર નાસભાગ કેસ: અલ્લુ અર્જુને એક મહિના પછી લીધી ઈજાગ્રસ્ત બાળકની મુલાકાત

January 07, 2025

સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના સ્ક્રીનિંગ વખતે થયેલી નાસભાગમાં ઈજાગ્રસ્ત બાળકની અલ્લુ અર્જુને મંગળવારે મુલાકાત લીધી હતી. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટના બાદ પીડિત બાળક સાથે મુલાકાત ન કરવા બદલ અલ્લુ અર્જુનની સતત ટીકા થઈ રહી હતી. જો કે, એક મહિના પછી અલ્લુ અર્જુને આ બાળકની મુલાકાત લીધી હતી. આ વાત ગુપ્ત રખાઈ હતી. ટ્રેડ એક્સપર્ટ મનોબાલા વિજયબાલને પોતાના X હેન્ડલ પર અલ્લુ અર્જુનની હોસ્પિટલની મુલાકાતની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં અલ્લુ અર્જુન સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે  બ્લેક કારમાં હોસ્પિટલ પહોંચ્યો હતો તે જોઈ શકાય છે. અલ્લુ અર્જુને પોલીસ પાસે હોસ્પિટલ જવાની મંજૂરી માગી હતી. રામગોપાલપેટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે એક્ટરને નોટિસ મોકલી હતી, જેમાં તેમને રવિવારે હોસ્પિટલની મુલાકાત લેવા અંગે પુનર્વિચાર કરવા કહ્યું હતું. પોલીસનું કહેવું હતું કે, આ કેસમાં ઘણાં લોકોને રસ છે. તેથી તમારે એ પણ નક્કી કરવું જોઈએ કે, તમારા હોસ્પિટલ જવાથી હોસ્પિટલ અને અન્ય દર્દીઓની કામગીરીમાં કોઈ સમસ્યા ન થાય. આ મુલાકાત અંગે પોલીસે કહ્યું કે જો અલ્લુ અર્જુન હજી પણ હોસ્પિટલમાં જવા માંગે છે, તો તેણે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસ સાથે સંકલન કરવું જોઈએ. હોસ્પિટલમાંથી તેમના પ્રવેશ અને બહાર નીકળવાનું આયોજન એ રીતે કરવું જોઈએ કે દર્દીઓ અને પ્રજાને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પોલીસે જ તેમને આ મુલાકાત ગુપ્ત રાખવાની સલાહ આપી હતી, જેથી હોસ્પિટલમાં લોકો ભેગા થઈને શાંતિપૂર્ણ માહોલને ખરાબ ન કરે.