નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચંપી, ઠેર-ઠેર તોડફોડ અને હિંસા

September 09, 2025

નેપાળના કાઠમંડુમાં સોમવારે (આઠમી સપ્ટેમ્બર) શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. હિંસક દેખાવ વચ્ચે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત નેપાળના ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી અને આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ હિંસક દેખાવના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને લઈને Gen-Z  દેખાવકારોએ મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. સરકારી નિવાસસ્થાનો પર પથ્થરમારો કરી આગચંપી રહ્યા છે. આ ઉપરાંત નેતાઓના ઘરો પર પણ કબજો કરી રહ્યા છે. Gen-Z  દેખાવકારોએ નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ઘરને પણ છોડ્યું નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનમાંથી આગ લગાવી દીધી છે.