અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી

September 09, 2025

રાજકોટના રીબડાના અમિત ખૂંટ આત્યમહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે, કોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરૂદ્ધ સિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યાં અરજી ફગાવતા તે હાઇકોર્ટ પહોંચ્યો હતો. જોકે, હવે હાઇકોર્ટે પણ તેની આગોતરા જામીનની આ અરજી ફગાવી દીધી છે.

નોંધનીય છે કે, રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.'