દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કૉલેજો બંધ થઈ શકે!

November 11, 2025

દિલ્હી-એનસીઆરમાં ઠંડીની શરુઆત થતાં જ પ્રદૂષણનું સ્તર પણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેની અસર ઓછી કરવા માટે થોડા દિવસો પહેલાં કૃત્રિમ વરસાદ પણ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી પણ ખાસ રાહત મળી નહોતી. વધતાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ 3) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ જતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 425 સુધી પહોંચી ગયો છે. હવે, હવાની કથળતી ગુણવત્તાને કારણે અહીં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ થઈ શકે છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવા અથવા તો તેને હાઇબ્રિડ મોડ (Hybrid Mode) કે પછી ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો નિર્ણય લઈ શકે છે. GRAPનો અર્થ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન થાય છે. આ યોજના વાયુ પ્રદૂષણના સ્તરને દર્શાવે છે, જેમ કે ખરાબ, ખૂબ ખરાબ, ગંભીર અને અતિ ગંભીર. GRAP લેવલ ત્યારે લાગુ કરવામાં આવે છે, જ્યારે શહેરની હવા વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી હોય. તેને વાયુ ગુણવત્તાના આધારે પ્રતિબંધો લગાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ચોક્કસ પગલાં લેવા માટે અમલમાં મૂકવામાં આવે છે.