દિલ્હી બ્લાસ્ટ : ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !

November 11, 2025

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ગઈકાલે (10 નવેમ્બર) કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટની અસર એટલી ભયાનક હતી કે, તપાસ એજન્સીઓને એક મૃતદેહ નજીકના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, ઘટના બાદ પીડિતોના શરીરના અંગો ત્યાં વેરવિખેર પડ્યા હતા, જેના કારણે ઘણા મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

10 નવેમ્બરે સાંજે લગભગ 6.55 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક હ્યુન્ડાઇ I-20 કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન સ્થળ પર સિગ્નલ બંધ હતું અને કારની આસપાસ પણ અનેક વાહનો હતો, તે તમામ વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે અનેક વાહનોને ચિંથરા પણ ઉડી ગયા હતા.

આ દરમિયાન એક વ્યક્તિ શક્તિશાળી વિસ્ફોટની ઝપેટમાં આવ્યો હતો અને તે ઉછડીને વૃક્ષ પર જઈને પડ્યો હતો. તપાસ એજન્સીઓને આ વ્યક્તિ વિશે પહેલા કોઈ જાણકારી નહોતી. પરંતુ જ્યારે પુરાવા એકઠા કરવા માટે ઘણી તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા શોધી રહી હતી, ત્યારે તેમની નજર ઝાડ પર પડી, જ્યાં એક વ્યક્તિની લાશ લટકી રહી હતી. તપાસ એજન્સીઓ માટે આ એક આશ્ચર્યજનક ઘટના હતી. બાદમાં આ મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો, અને હવે તપાસ એજન્સીઓ આ વ્યક્તિની ઓળખ નક્કી કરવામાં લાગી છે.

આસપાસના અનેક લોકો અને વાહનો વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા હતા. આ ધમાકા દરમિયાન જે લોકો આસપાસ હતા તે બધા તેની ઝપેટમાં આવી ગયા. ઘટનામાં અત્યાર સુધીમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. કેટલાકના ધડ બળીને કાળા પડી ગયા છે, જ્યારે માથા અને અંગોના ટુકડા રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળ્યા છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન, ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપી દીધી છે.