ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર

October 11, 2026

MSME, મહિલા ઉદ્યોગસાહસિકો અને ગ્રીન ઇનિશિયેટિવ્સ પર ભાર

અમદાવાદ : રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વધુ વેગ આપવા અને તમામ વિસ્તારોમાં સંતુલિત ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્યણ લીધો છે. સરકાર દ્વારા વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ રાજ્યના તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. આ નવા માળખા હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં આવેલા કુલ 268 તાલુકાઓમાંથી 130 તાલુકાઓને કેટેગરી-A અને 138 તાલુકાઓને કેટેગરી-Bમાં સમાવવામાં આવ્યા છે.


ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા વર્ગીકરણમાં રાજ્યમાં નવરચિત તાલુકાઓ અને નવી ઔદ્યોગિક નીતિની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી છે. આ વર્ગીકરણથી નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા અથવા હાલના એકમોનું વિસ્તરણ કરવા ઇચ્છતા ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટના સ્થળ મુજબ લાગુ પડતી કેટેગરી અને મળવાપાત્ર પ્રોત્સાહન યોજનાઓની જોગવાઈઓ સરળતાથી સમજી શકાશે. આ પ્રોત્સાહનોનો લાભ સંબંધિત નીતિના નિયમો, શરતો અને પાત્રતાને આધીન રહેશે.
આ નવી ઔદ્યોગિક નીતિમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), નવીન સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને આગળ લાવવા માટે વિશેષ પ્રોત્સાહનોની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસ (Sustainable Development)ને ધ્યાન રાખતા ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટવોટર રિસાયક્લિંગ, સ્વચ્છ ઉત્પાદન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોને પણ વિશેષ પ્રોત્સાહિત કરવાનો નીતિમાં સમાવેશ કરાયો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી વિવિધ પ્રદેશોમાં સમાન ઔદ્યોગિક તકો ઊભી થશે અને રાજ્યના અર્થતંત્રને એક નવું બળ મળશે.