દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ

October 11, 2026

દિલ્હી- દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં હવામાં મુસાફરી દરમિયાન એક મુસાફરની પાવર બેંક ફાટતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં મુસાફરો આગને ઓલવતા જોવા મળે છે. મુસાફરોની ચીસાચીસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6115 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી. આ દરમિયાન એક મુસાફરના પાવર બેંકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. કેબિન ક્રૂના સભ્યએ તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગને ઓલવી નાખવામાં આવી હતી.
ઘટનાને લઈને ઈન્ડિગોએ જણાવ્યું કે, '11 ઓક્ટોબર, 2026ના રોજ ફ્લાઈટમાં એક વ્યક્તિના ઈલેક્ટ્રોનિક ઉપકરણમાંથી ધુમાડો નીકળવાની સૂચના મળતાની સાથે ફ્લાઈટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પછી ફ્લાઇટને રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોને ચેન્નાઈ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.'
એરલાઇનનું કહેવું છે કે, 'મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. આવી પરિસ્થિતિઓમાં તમામ સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. કેબિન ક્રૂએ ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.' આ ઘટનાનો ચોક્કસ સમય અને સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ઘટના બાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પાવર બેંક કઈ કંપનીની હતી અને આગ લાગવા પાછળું કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.